ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2013

હરિ! તારા નામની ચૂડી


હરિ! તારા નામની ચૂડી મેં ધારી રે,
ચૂડી પહેરી બની ગઈ છું દિવાની રે.

તૂટે નહીં, ફૂટે નહીં, નંદવાય ના,
સ્વપ્ને પણ પલાળી શકે ના પાણી રે...હરિ...

અખંડ ને અમર ચૂડી છે ધારી રે,
માયા-મમતા એના થકી ગઈ હારી રે...હરિ...

ચૂડી પહેરી યમની ભીતિને મારી રે,
હરિનામે ગુરુદેવે મને તારી રે...હરિ...

હરિ! તારા રૂપે ગયાં સહુ વારી રે,
ચૂડી પહેરી તરી ગયાં નરનારી રે...હરિ...

Sent from my h.mangukiya

શનિવાર, 14 સપ્ટેમ્બર, 2013

જાગને જાદવા


જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઈ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

- નરસિંહ મહેતા

Sent from my h.mangukiya

જળકમળ છાંડી જાને બાળા


જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો

રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો

લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો

બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો

નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો

- નરસિંહ મહેતા

Sent from my h.mangukiya