શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013

વચન વિવેકી જે નરનારી પાનબાઈ

વચન વિવેકી જે નરનારી પાનબાઈ,
બ્રહ્માદિક લાગે તેને પાય,
યથાર્થ વચનની સાન જેણે જાણી રે
એને કરવું પડે નહીં બીજું કાંઈ રે … વચન વિવેકી.

વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે પાનબાઈ,
ઈ તો ગત ગંગાજી કહેવાય,
એક મના થઈને આરાધ કરે તો,
નકળંક પ્રસન્ન થાય રે… વચન વિવેકી.

વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ!
વચને મંડાય પ્રભુનો પાઠ,
વચન ન પૂરાય તે તો નહિ રે અધૂરો,
વચનનો લા'વે જોને ઠાઠ રે … વચન વિવેકી.

વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ!
વચન છે ભક્તિનું અંગ,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
કરવો વચન વાળાનો સંગ રે … વચન વિવેકી.


Sent from my h.mangukiya

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું,

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું,
ને વાળ્યું સતીએ પદ્માસન રે,
મન વચનને સ્થિર કરી દીધું
ને અંતર જેનું છે પ્રસન્ન રે…એટલી.

ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું
ને લાગી સમાધિ અખંડ રે,
મહાદશ પ્રગટાવી તે ઘડી
ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે…એટલી.

બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈ
ને અંતર રહ્યું નહિ લગાર રે,
સુરતાએ સુનમાં જઈ વાસ કીધો,
ને અરસપરસ થયા એકતાર રે..એટલી.

નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ
ને વૃત્તિ લાગી પીંડની પાર રે,
ગંગા સતીનું શરીર પડી ગયું,
ને મળી ગયો હરિમાં તાર રે…એટલી.


Sent from my h.mangukiya

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે


ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે
પાનબાઈને થયો અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો
ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી

અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં
સંકલ્પ સમરું ચિત્તમાંહી રે,
હાણ ને લાભની મટી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે … ગંગા સતી

જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને
રસ તો પીધો અગમ અપાર રે,
એક નવધા ભક્તિને સાધતાં,
મળી ગયો તુરિયામાં તાર રે …. ગંગા સતી

ત્યાં તો એટલામાં અજુભા આવ્યા
તેને કરાવ્યો સત્સંગ રે,
ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે
હવે કોણ ચડાવે પુરણ રંગ રે … ગંગા સતી

Sent from my h.mangukiya

મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં


મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,
દેખાડું હરિ કેરો દેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું,
જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી … મનડાને.

સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું
સુક્ષ્મ કરવો વે'વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,
ને વૃત્તિ ન ડોલે લગાર જી … મનડાને.

કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,
નિત્ય રે ચડાવવો નવો રંગ જી … મનડાને.

ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું
રેવું સદાય ઈન્દ્રિય-જીત રે,
ગંગા સતી રે એમ બોલિયાં પાનબાઈ,
વિપરીત થાશે નહીં ચિત્ત જી … મનને.

Sent from my h.mangukiya

સદગુરુ વચનના થવા અધિકારી

સદગુરુ વચનના થવા અધિકારી
મેલી દો અંતરનું અભિમાન,
માન મેલીને તમે આવો મેદાનમાં,
સમજો ગુરુજીની શાન રે … સદગુરુના.

અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે
નહીં થાય સાચેસાચી વાત,
આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે
પ્રભુજી દેખાશે આપોઆપ રે … સદગુરુના.

સત્સંગ રસ એ તો અગમ અપાર છે,
તે તો પીવે કોઈ પીવનહાર,
તનમનની જ્યારે સુધબુધ ભૂલાશે
ત્યારે અરસપરસ મળશે એકતાર રે … સદગુરુના.

ધડ રે ઉપર જેને શીશ નવ મળે
એવો ખેલ છે ખાંડા કેરી ધાર,
એમ રે તમારું તમે શીશ ઉતારો
તો તમને રમાડું બાવન વાર રે … સદગુરુના.

હું અને મારું ઈતો મનનું કારણ પાનબાઈ!
એ મન જ્યારે મટી જાય,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
ત્યારે અંતરમાં અલખ દેખાય રે … સદગુરુના.


Sent from my h.mangukiya

મનડાને સ્થિર કરે જાગીને


મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે
ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે
માયા કરે નહીં કાંઈ રે … મનડાને.

અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી
આનંદ ઉપજ્યો અપાર રે
આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે
સાધી સાહેબ સાથે તાર રે…

સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને
ચારે વાણીથી એ પાર જી
સપનાનો મોહ આવા ગુણીજન કરે નહીં
હરદમ ભજનમાં હોંશિયાર જી

વાસના બળી ગઈ, તૃષ્ણા ટળી ગઈ ને
મોહની મટી ગઈ તાણાવાણ જી
ગંગા સતી રે એમ બોલિયા રે પાનબાઈ
સાચા સાધુની ઓળખાણ જી …. મનડાને સ્થિર

Sent from my h.mangukiya

અસલી જે સંત હોય તે

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
 કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
 પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.
દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
 ગુરુજીના વેચાયે વેચાય જી
 બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
 આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત
અમરીયા બની જે નિતનિત ખેલે રે
 મરવું તો આળપંપાળ જી
 ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
 એને લાગે નહીં જરી જોને ઝાળ રે … અસલી સંત.
જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
 લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
 ભક્ત પરમ એ કહેવાય જી … અસલી સંત
મનથી રે રાજી તમે એમ જ રહેજો
 તો રીઝે સદા નકળંક રાયજી
 ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
 અસલી રે સંત ઈ ગણાય જી … અસલી જે સંત